ન્યૂટનના નિયમો અને જીવાતી જિંદગી

સર આઈઝેક ન્યૂટનના નિયમો ભૌતિક વિજ્ઞાનની એક શાખા યંત્રશાસ્ત્ર(Mechanics)માં તો પાયાની અગત્ય ધરાવે જ છે, પણ રોજબરોજની જીવાતી સામાજિક જિંદગીને પણ સીધા જ લાગુ પડે છે. જીવન અને વિજ્ઞાન એ બે જુદી બાબતો નથી, પણ એકબીજાની પૂરક બાબતો છે તે આ નિયમોથી સમજી શકાય છે. નિયમોના મૂળ વિધાનો અને જીવાતી જિંદગીના સંદર્ભમાં તેનું રસપ્રદ અર્થઘટન કરીશું.

પ્રથમ નિયમ :- જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પોતાની ગતિની સ્થિતિ જાળવી રાખે છે. એટલે કે સ્થિર હોય તો સ્થિર જ રહે છે અને ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ જાળવી રાખે છે.

હવે આપણી જિંદગીના સંદર્ભમાં વિચારીએ. જ્યાં સુધી પ્રેરક બળ પ્રાપ્ત ન થાય અને તેને અનુરૂપ વિશેષ પ્રયત્નો ના કરીએ ત્યાં સુધી આપણે તે જ સ્થિતિમાં રહીએ છીએ, કશું નક્કર નવું પામી શકતાં નથી. સરકારી કચેરીનો એક ક્લાર્ક દરરોજ એ જ સમયે ઉઠે છે, એ જ બસ કે રીક્ષા પકડે છે, એ જ ટેબલ પર બેસે છે અને જિંદગીનો ખાસ્સો લાંબો અરસો એ જ સ્થિતિમાં કાઢી નાંખે છે. ત્યારે એક જીનીયસ એવી એકધારી થંભી ગયેલી જિંદગીને સ્વીકારવાના સ્થાને પોતાના વિશેષ પ્રયત્નો થકી આસમાનની ઉંચાઈઓને ચૂમે છે!

તમે શારીરિક રીતે અશક્ત હો તો પણ માનસિક બળ ઊભું કરીને જગ જીતી શકો છો. વ્હીલ ચેરની સ્થિર સ્થિતિમાંથી તમે ગગન વિહાર કરી શકો છો, જો તમે પ્રેરક બળ ઊભું કરી શકો તો!

કેટલાક મિત્રો વર્ષો પછી મળે તો પુછે છે : ‘જિંદગીમાં Set થઇ ગયા?’ આ પ્રશ્ન જ મને અપમાનજનક લાગે છે. શું એક જ સ્થિતિમાં Set બધાં જ થઇ જઈશું તો નવા નવા સંશોધનો કોણ કરશે? પૃથ્વીનો વિનાશ થઇ જશે તો હું બીજા ગ્રહો પર જઈ સંશોધન કરીશ. એવી જીજ્ઞાસાવૃત્તિ ધરાવતા વૈજ્ઞાનિકો ક્યાંથી પેદા થશે? ડિસ્કવરી ચેનલ પર કે નેશનલ જ્યોગ્રાફિક ચેનલ પર ઘરબાર ગીરવે મૂકીને, વેચીને ઉડાઉડ કરતાં, જંગલમાં ભટકતાં, દરિયામાં તરફડતાં મરજીવા જેવા સંશોધકોને જોઉં છું ત્યારે સમજાય છે કે આપણી કઈ માનસિકતા આપણા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિકોમાં ફેરવતા અટકાવે છે.

બીજો નિયમ :- પદાર્થના કુલ રેખીય વેગમાનના ફેરફારનો સમયદર તેના પર લાગુ પાડેલા પરિણામી બાહ્ય બળ જેટલો અને પરિણામી બાહ્ય બળની દિશામાં હોય છે. કેવું સરસ વિધાન છે. તમે ધીમે ધીમે પ્રયત્નો કરો છો તો ધીમે ધીમે સફળતા પામશો. ૧૦૦% ક્ષમતાથી અને એકાગ્રતાથી મંડી પડશો તો જલદી સફળતા પામશો. હું ધીરે ધીરે સિગારેટ છોડી દઈશ, એવું કહેનારા ક્યારેય છોડી શકતા નથી. આજે જ અથવા ક્યારેય નહિ, આ દીવાલ પર લખાયેલું સત્ય છે એ ખાસ યાદ રાખશો.

આપણે જેટલા ઊંચા સ્વપ્નો જોઈએ તેટલું જ તેની પાછળ મંડી પડવું પડે. પછી રાત-દિવસ, તડકો છાંયડો કશું આપણને સ્પર્શી શકવું જોઈએ નહિ. વધુમાં વધુ પ્રયત્નો અને વધુમાં વધુ સફળતા!

ત્રીજો નિયમ :- આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. હું તમને મનોમન ધિક્કારતો હોઉં તો તમે મને ચાહતા હશો એવી અપેક્ષા કેવી રીતે રાખી શકું? જો વ્યક્તિ A એવું ઈચ્છતો હોય કે વ્યક્તિ B તેને ખૂબ લાગણી આપે, વ્યક્તિ B તેની ખૂબ Care કરે તો વ્યક્તિ A એ આ બધું વ્યક્તિ B ને આપવું પડશે. જે ક્ષણે તમે બધાનું ભલું ઇચ્છવાની શરૂઆત કરશો તે જ ક્ષણે ‘બધાંની શુભેચ્છાઓ’ તમારા તરફ વહેતી થઇ જશે. ‘જેવું કરશો તેવું પામશો, જેવું વાવશો તેવું લણશો.’ એમ અમસ્તું નથી કહેવાયું? ‘પરસ્પર’ની ભાવના આજે નહિ તો કાલે આખી દુનિયામાં સ્નેહના ઝરણાં વહાવશે જ અને જયારે માનવજાત કુદરતના આ નિયમની સમીપ જશે ત્યારે તેની ‘ઓળખાણ’ બદલાઈ જશે. સમજાયું?

-ઉજ્જવલ ધોળકિયા

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s